ઓમ શાંતિ ઓમ.
ઘટ ઘટ ઘટાક
ગટગટાવો ઠર્રો
પામો બોધિસત્વ.
કરો આધ્યાત્મિક
અનુભવ .
આવો ,આવો,અંદર મુનિવર,
યોગીવર...
ફાડી નાખે નાક
બાળી નાખે આંખ
ઓમ શાંતિ ઓમ.
હૂંફાળો હૂંફાળો અંધકાર
ચિત્રવિચિત્ર વાસ
વ્હેતી પાતાળગંગા
તરતાં વિષ્ટાનાં
ફૂલ...
ઓમ શાંતિ ઓમ.
આવો, આવો, અંદર
પ.પૂ.ધ.ધૂ.
મહામંડલેશ્વર ,
જ્ઞાનીવર
અનુભવો અનહદ નાદ,
નિહાળો અવિચલ
જ્યોત...
બેસૂધ કાને વાગે
ઝાલર
આવો, આવો, અંદર
સ્વામીવર,
આચાર્યવર
ઓમ શાંતિ ઓમ.
હિમગિરિ ટોચે
અને ગટરને
તળિયે
એક જ અનુભવ
એ જ અનુભવ
પરમ ચિદાનંદ ,
પરમ ચિદાનંદ ...
ઓમ શાંતિ ઓમ.
માથે મેલાં ઊંચકો
પામો અંતરનો આનંદ
સુણો અંદરનો અવાજ
નિહાળો ભીતરનો
પ્રકાશ.
શેરી વાળો, શહેર
વાળો,
ગલી વાળો, ગામ
વાળો.
સતત ગણગણો
ઓમ શાંતિ ઓમ.
કચરાના ઢગલામાં
ઉંદર થઇ જીવો...
ઓમ શાંતિ ઓમ...
ઊભરાતી ગટરોના
કાંઠે
આસનવાળી બેસો .
માથાફાડ દુર્ગંધ
શ્વસી
અર્ધબેહોશી પામો.
ચિત્તને
બ્રહ્મલીન કરો ,
ઓમ શાંતિ ઓમ.
(કવિતાસંગ્રહ ‘કવિનો અવાજ’,૨૦૦૯માંથી )
No comments:
Post a Comment