કારતકે દિ
હૂંફાળો, રાત ટાઢી,
ખાટલીમાં સૂતા ગાભા બે ચાર ઓઢી.
માગશરે દિ ટાઢો , ને
રાત થરથરતી,
સૂતા ખાટલીની
ઝોળીમાં ટૂંટિયું વાળી.
પોષે પાણત કરતાં
કાંપે હાથપગ ,
ઠૂંઠવાતા બેઠા તાપણે
ઊભડક પગ.
મા માસમાં લોહી
જાય થીજી, હાડ કડકડે
ટોવા વૈયા રોઝડા રાતવાસો વગડે.
ફાગણે ખીલ્યો
તડકો , પડ્યા નવરા
ઉપડ્યા ચોકડીયું
તળાવની ખોદવા.
ચૈતરે તડકો તીખો
, પરસેવાનો નહિ પાર ,
નરેગાનાં કામ
ચાલે દિ આખો તડામાર.
વૈશાખે ધખે ધરા,
ય્રસે જીવ મૂંઝાય,
ભીખ માગતા પાણીની
હડે હડે સવ થાય.
જેઠે વરસે
આગ, ક્યાંય ન મળે છાશ,
કામ થયાં બધાં
પૂરાં,હવે કશી ના આશ.
અષાઢે ઉમટયાં
વાદળ કોરાં કટ ,
ટીમ્પું એકે
પડ્યું ના, ખાશું શું રે ફટ.
શ્રાવણ વરસ્યો
ધોધમાર ચૂવા અપાર ,
ક્યાં બેસવું,
ક્યા ઊંઘવું, ઝિમેલો ચોકોર.
ભાદરવે તડકો તીખો
મરચાં જેવો
લણ્યા ડૂંડા,
બાળ્યાં ચામ,મળ્યાં ઢૂંઢાં જુઓ.
આસો માસ ઘર ઘર
દિવાળી , ફૂટે ફટાકડા ,
અમારે તો પરબલાં
આપજો ..બા..!
(કવિતાસંગ્રહ ‘નિષાદ’
૨૦૧૨માંથી)