હે કાવ્યશાસ્ત્રીઓ,
હે મમ્મટો, એરિસ્ટોટલો,
સાંભળો ખુલ્લા રાખી કાન,
તમને
ટ્રેજડીમાંય આનંદ મળે,
કોમેડીમાંય
આનંદ મળે,
મળવિસર્જન
જેવા
કેથાર્સિસનો
ભાવોન્નય અનુભવ
તમને
થાય.
ભલે
થાય,
કિન્તુ
અમારી
દલિતોની ટ્રેજેડી
તમારા
આનંદ માટે નથી.
અમારી
વ્યથાઓ
તમને
આનંદ આપવા નહિ ,
પરંતુ
પીડા આપવા માટે છે.
અમારી
ટ્રેજેડીઓ
અમારી
પીડાઓ છે,
અમારો
આક્રોશ છે.
તમને
આનંદ આપવા નથી ઉઠાવી કલમ અમે,
તમારી
સામે લડવા ઉઠાવી છે કલમ.
અમારી
કલમ કેવળ કલમ નહિ, તલવાર છે.
(કવિતાસંગ્રહ ‘નિષાદ’
૨૦૧૨માંથી)
No comments:
Post a Comment