નરસૈયાના વારસ
નાગર કરે ગરવ
નાત નરસૈયાની અમારી,
દલિત-ઓટલે હરિભજન ગાયાં,
મૂક્યો નાતબહાર.
નરસૈયાને નાત નહીં ને જાત નહીં,
થયો એ તો ખરો દલિતજન.
ગાંધીના વારસ
વાણિયા કરે ગરવ
નાત ગાંધીની અમારી,
દરિયો ઓળંગી બેઠો અછૂત પડખે,
મૂક્યો નાતબહાર.
ગાંધીને નાત નહીં ને જાત નહીં,
થયો એ તો ખરો દલિતજન.
આંબેડકરના વારસ
સહુ સવર્ણ કરે ગરવ
અટક આંબેડકરની અમારી,
પાણી પીવા દીધું નહીં,ભાડે મકાન દીધું નહીં,
મૂક્યો ગામબહાર.
આંબેડકરને નાત નહીં ને જાત નહીં,
થયો એ તો ખરો દલિતજન.
(કવિતાસંગ્રહ ‘કવિનો અવાજ’,૨૦૦૯માંથી)
No comments:
Post a Comment