પ્રવીણ ગઢવી

Tuesday, August 18, 2015

દલિત બારમાસી


 

 

કારતકે દિ હૂંફાળો, રાત ટાઢી,

ખાટલીમાં સૂતા  ગાભા બે ચાર ઓઢી.

 

માગશરે  દિ ટાઢો , ને  રાત થરથરતી,

સૂતા ખાટલીની ઝોળીમાં ટૂંટિયું વાળી.

 

પોષે પાણત કરતાં કાંપે હાથપગ ,

ઠૂંઠવાતા બેઠા તાપણે ઊભડક પગ.

 

મા માસમાં લોહી જાય થીજી, હાડ કડકડે

ટોવા વૈયા રોઝડા  રાતવાસો વગડે.

 

ફાગણે ખીલ્યો તડકો , પડ્યા નવરા

ઉપડ્યા ચોકડીયું તળાવની ખોદવા.

 

ચૈતરે તડકો તીખો , પરસેવાનો નહિ પાર ,

નરેગાનાં કામ ચાલે દિ આખો તડામાર.

 

વૈશાખે ધખે ધરા, ય્રસે જીવ મૂંઝાય,

ભીખ માગતા પાણીની હડે હડે સવ થાય.

 

જેઠે વરસે આગ,   ક્યાંય ન મળે છાશ,

કામ થયાં બધાં પૂરાં,હવે કશી ના આશ.

 

અષાઢે ઉમટયાં વાદળ કોરાં કટ ,

ટીમ્પું એકે પડ્યું ના, ખાશું શું રે ફટ.

 

શ્રાવણ વરસ્યો ધોધમાર ચૂવા અપાર ,

ક્યાં બેસવું, ક્યા ઊંઘવું, ઝિમેલો ચોકોર.

 

ભાદરવે તડકો તીખો મરચાં જેવો

લણ્યા ડૂંડા, બાળ્યાં ચામ,મળ્યાં ઢૂંઢાં જુઓ.

 

આસો માસ ઘર ઘર દિવાળી , ફૂટે ફટાકડા ,

અમારે તો પરબલાં આપજો ..બા..!

 

 

(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)

નો વન કિલ્ડ જેસિકા લાલ


 

 

ફિલ્મ બને છે ,

જેસિકા લાલની હત્યા પર...

નો વન કિલ્ડ જેસિકા લાલ...

નો પ્રોબ્લેમ,

રોષ છે ભારોભાર,

શર્મા જેવા કાતિલો પર

અમને પણ.

નિર્દોષ છૂટી ગયો હતો

પુરાવા સાક્ષીને અભાવે.

હોબાળો મચ્યો ચોમેર.

નો પ્રોબ્લેમ,

અમે પણ જોડાયા મીડિયાસાથે,

એન.જી.ઓ.સાથે,

સજા થવી જ જોઈએ ,

આવા કાતિલ નશાખોરોને

કેસ રિઓપન કરાવ્યો,

સજા થઇ.

દલિતો પર હત્યાકાંડ અગણિત.

આગ અને હીજરાતો અગણિત –

ખૈરલાંજી , ગોલાણા અગણિત .

નિર્દોષ છૂટ્યા અગણિત.

રિઓપન કરાવ્યો કેસ કોઈએ ક્યારેય?

ક્યારેય કોઈ ફિલ્મ

બનાવવાનો વિચાર આવ્યો કોઈને?

નો પ્રોબ્લેમ,

નો વન કિલ્ડ જેસિકા લાલ...પણ

કોણે હણી લીધો છે દલિતનો આત્મા?

 

(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)

 

કબીરને


 

કબીર,

જિંદગીભર

જાતપાંતનો વિરોધ કર્યો

પાંચસો વર્ષ પૂર્વે, તેં

કિન્તુ જો તો ખરો

એકવીસમી સદીમાં તો

શુક્રાણુમાંય

જાત જોવાય છે

જન્મમાં જાત હત્તી ,

ધર્મમાં જાત હતી,

નોકરીમાં જાત હતી,

લગ્નમાં જાત હતી,

કિન્તુ હવે તો

ઉછીના ગર્ભમાંય જાત જોવાય છે!

કબીર , તારા

ઢાઈ અક્ષર પ્રેમના

કદી ના પઢી શક્યા અમે!

 

(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)

ચરણ



 


બ્રહ્માના ચરણ ઠેરવ્યા

અને અછૂત ગણ્યા!

ગુરૂજીને તો ચરણસ્પર્શ કરો છો,

ચરમામૃત પીએ છે ગૃહલક્ષ્મીઓ.

ગોમતેશ્વરની ચરણપૂજા કરો છો,

પુષ્પો ચઢાવો છો ,

ચંદન અર્ચિત કરો છો શૈલ ચરણો.

અમે બ્રહ્માના ચરણ

અને અછૂત કેમ?

 

(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)

તમારો શોખ , અમારી મજબૂરી


 

 

તમારો શોખ,

અમારી મજબૂરી.

તમને ટેન્ટમાં રહેવાનો શોખ,

અમારી મજબૂરી.

તમને કેમ્પ ફાયરનો શોખ,

અમારી મજબૂરી.

તમને ચૂલા પર તાવડીનો શોખ,

અમારી મજબૂરી.

તમને બાર્બેક્યૂનો શોખ,

અમારી મજબૂરી.

તમને ફાટેલા જીન્સ પહેરવાનો શોખ,

અમારી મજબૂરી.

તમને કૂબા ભૂંગાનો શોખ,

અમારી મજબૂરી.

તમને ખુલ્લા આકાશ નીચે ઊંઘવાનો શોખ,

અમારી મજબૂરી.

 

(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)

નિષાદ


 

સપ્તરાગમાં નિષાદ,

નવ રસમાં બીભત્સ,

સપ્ત રંગમાં શ્યામ,

ષટ સ્વાદમાં કટુ,

હસ્તમાં વામ હસ્ત,

પુષ્પમાં ચંપક,

વૃક્ષમાં બાવળ,

છોડમાં આકડો,

પંખીમાં પરિયાહ,

પ્રાણીમાં ઝરખ,

લક્ષણમાં બત્રીસલક્ષણો,

ગામમાં છેલ્લો,

બલિદાનમાં પહેલો,

કોણ?





(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)
 
 

પુનરૂત્થાન


 

ઈશુના પુનરૂત્થાનની

ખબર નથી મને.

કિન્તુ

આંબેડકરના    પુનરૂત્થાનનો

સાક્ષી હું.

દલિતજનને ઘેર ઘેર

શ્વાસે શ્વાસે

હર ધડકને

આંબેડકરની ચેતના જ્યોતિ

પ્રદિપ્ત.

 

 

(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)


 

કવિવર વાલ્મીકિને



 

ક્રોંચવધથી

તમસા તીરે દ્રવી ગયા કવિ , તમે.

સ્ફૂટ્યુ ફૂટ્યું ઝરણ

અનુષ્ટુપ છંદ તણું .

રચ્યું આપે રામકાવ્ય.

શમ્બુકવધ કર્યો રામે

ત્યારે કેમ દ્રવ્યા તમે?

શમ્બૂક તો હતા તપસ્વી, ઋષિ

જ્ઞાની-વિજ્ઞાની .

અપરાધ માત્ર એટલો

જન્મ ધર્યો શૂદ્રયોનિ થકી .

મનુષ્ય માત્રને અધિકાર જ્ઞાનનો .

જ્ઞાનીનો વધ કેમ કરાય ?

ભુજંગી છંદ જન્મ્યો કેમ?

 

(કવિતાસંગ્રહ ‘નિષાદ’ ૨૦૧૨માંથી)