પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

ફરીથી ભૂલ ન કરતો, મહાત્મા





દેશમાં ફરીથી અવતાર લેવાની
ભૂલ કરતો, મહાત્મા.
લોકોને તારી આંખનીય શરમ રહી નથી.
તારી પ્રતિમા નીચે બેસીને
લોકો તારા શબ્દોની હાંસી ઉડાવે છે,
તને શરાબથી સ્નાન કરાવે છે
બંધારણનાં પાનાં ફાડી તારી નજર સામે હોળી સળગાવે છે.
અમારા જુવાનજોધ દલિત દીકરાના ઊના ઊના લોહી વડે
તને તિલક કરે છે મહાત્મા, લોકો.
મહાત્મા, તું તો જાણે આશ્રમ રોડ પર ભટકતો
કોપાગલ હો એમ
લોકો તારી પોતડીનો છેડો ખેંચે છે .
જેમને આઝાદ કરાવવા તેં તારા સગા પુત્રોને તરછોડ્યા,
તે કેટલા કૃતઘ્ની !
ત્રણ દાયકા પહેલાંનો તાજો ઇતિહાસ
લોકો ઝડપથી ભૂલવા માંડ્યા છે
કેમકે હવે તેમને કશી જરૂર નથી
તેં લાંબા ઉપવાસો કરી પ્રગટાવેલ તેજ મૂલ્યોની.
એમણે આઝાદીનો અર્થ કર્યો છે: કેવળ તેમની પ્રગતિ,
તેઓ અને તેમનાં સંતાનો ડોક્ટરો,ઈજનેરો અને સેનેટરો બને
પૈસા અને કેરિયર બનાવવા
બાકીના સમયમાં પાનાં રમવાં- ચૂંટણી લડવી- ધ્યેય જેમનું.
મહાત્મા, ઉપનિષદોની ઋચાઓથી ધૂસર પ્રાચીન દેશ
વરૂઓનો દેશ બની ગયો છે.
તેઓ શસ્ત્રો પછાડી પછાડી કહે છે
વિશાળ દેશ કેવળ એમનો છે.
અમને તો વિદેશી ગણવા માંડ્યા છે લોકો.
તેં વહેંચી આપેલા રોટલાનો પા ભાગ પણ
રાની બિલાડીની જેમ ખૂંચવી લેવા તૈયાર થયા છે.
તારો વેશ પહેરીને લોકો શેરીઓમાં ભવાઈઓ કરે છે, મહાત્મા.
દેશમાં ફરીથી અવતાર લેવાની
ભૂલ કરતો ,મહાત્મા.
લોકોને તો જરૂર છે થોડા વધુ
નાદિરશાહોના અવતારોની.
સંદર્ભ: અનામતવિરોધી આંદોલન વખતે આશ્રમરોડ પર ગાંધીપ્રતિમા આગળ થયેલ ઘટનાઓ.

કવિ બનવું પડ્યું




સ્વર્ગ સમી સમજી પૃથ્વી
અવતર્યો.
યુદ્ધોની ભડભડતી આગ,
રક્તના અતાગ દરિયા,
અત્યાચારના આભ અડતા ચિત્કાર,
ક્ષુધાનાં સુક્કાંભઠ્ઠ રણ,
ઊનાં  ઊનાં આંસુના અશેષ ઝરા....

બલાત
કવિ બનવું પડ્યું!

મને તો હતું




મને તો હતું
જ્યાં સર્વ પાસે હોય દાલબાટી,
રહેવા ઓરડી,
ભણવા ચોપડી,
હાથમાં હથોડી,
તે દેશ સુખી સમૃદ્ધ.

જ્યાં સર્વ હોત નિરામય,
સર્વ હોય વિદ્યામય,
તે દેશ સુખી સમૃદ્ધ.

જ્યાં સર્વ સમાન અને સ્પર્શ્ય
તે દેશ સુખી સમૃદ્ધ.

શેરસત્તાનાં સેન્સેક્સ
હાઈ રાઈઝ ફ્લેટની જેમ
ઉર્ધ્વગામી હોય
તે દેશ સુખી સમૃદ્ધ
એવી તો ખબર નહિ,
મને તો હતું

પ્રયોગો





વૈજ્ઞાનિકો
પ્રયોગશાળામાં  પ્રયોગો કરે છે
ઉંદરો પર.
અર્થશાસ્ત્રીઓ ,
સામાજશાસ્ત્રીઓ ,
પ્રયોગો કરે છે ધારાવીની ગંદી
ઝૂંપડપટ્ટીઓમાં ઉંદર જેમ જીવતાં
ભૂખ્યાં જઠરો ઉપર.