આ દેશમાં ફરીથી અવતાર લેવાની
ભૂલ ન કરતો,
મહાત્મા.
એ લોકોને તારી આંખનીય શરમ રહી નથી.
તારી પ્રતિમા નીચે બેસીને
એ લોકો તારા જ શબ્દોની હાંસી ઉડાવે છે,
તને શરાબથી સ્નાન કરાવે છે
બંધારણનાં પાનાં ફાડી તારી નજર સામે હોળી સળગાવે છે.
અમારા જુવાનજોધ દલિત દીકરાના ઊના ઊના લોહી વડે
તને તિલક કરે છે મહાત્મા,
એ લોકો.
મહાત્મા,
તું તો જાણે આશ્રમ રોડ પર ભટકતો
કો’
પાગલ હો એમ
એ લોકો તારી પોતડીનો છેડો ખેંચે છે
.
જેમને આઝાદ કરાવવા તેં તારા સગા પુત્રોને તરછોડ્યા,
તે કેટલા કૃતઘ્ની
!
ત્રણ દાયકા પહેલાંનો તાજો ઇતિહાસ
એ લોકો ઝડપથી ભૂલવા માંડ્યા છે
કેમકે હવે તેમને કશી જરૂર નથી
તેં લાંબા ઉપવાસો કરી પ્રગટાવેલ તેજ મૂલ્યોની.
એમણે આઝાદીનો અર્થ કર્યો છે:
કેવળ તેમની પ્રગતિ,
તેઓ અને તેમનાં સંતાનો જ ડોક્ટરો,ઈજનેરો અને સેનેટરો બને
પૈસા અને કેરિયર બનાવવા
બાકીના સમયમાં પાનાં રમવાં-
ચૂંટણી લડવી-એ જ ધ્યેય જેમનું.
મહાત્મા,
ઉપનિષદોની ઋચાઓથી ધૂસર પ્રાચીન આ દેશ
વરૂઓનો દેશ બની ગયો છે.
તેઓ શસ્ત્રો પછાડી પછાડી કહે છે
આ વિશાળ દેશ કેવળ એમનો છે.
અમને તો વિદેશી ગણવા માંડ્યા છે એ લોકો.
તેં વહેંચી આપેલા રોટલાનો પા ભાગ પણ
રાની બિલાડીની જેમ ખૂંચવી લેવા તૈયાર થયા છે.
તારો વેશ પહેરીને એ લોકો શેરીઓમાં ભવાઈઓ કરે છે,
મહાત્મા.
આ દેશમાં ફરીથી અવતાર લેવાની
ભૂલ ન કરતો ,મહાત્મા.
એ લોકોને તો જરૂર છે થોડા વધુ
નાદિરશાહોના અવતારોની.
સંદર્ભ:
અનામતવિરોધી આંદોલન વખતે આશ્રમરોડ પર ગાંધીપ્રતિમા આગળ થયેલ ઘટનાઓ.
No comments:
Post a Comment