તમે કે’તા હો તો
એક રાતમાં કાછોટો વાળી નખથી
ખોદી કાઢું કૂવો.
તમે કે’તા હો તો
પરોઢમાં તારોડિયું ઊગે
તે પહેલાં લેણમાં સૌ પહેલું
મૂકી આવું મારું માટલું.
તમે કે’તા હો તો
એકલી પંડે કોશ હાંકીને
આખા ગામને પાઉ પાણી
પણ-
આ લેણથી છેટા બેસી
સૌથી છેલ્લા
કો’ક ઊંચેથી ચાંગળું પાણી રેડે
માટલામાં
એ સહાતું નથી,
કો’તો આખો ઉનાળો તરસે મરું
પણ તરસની આ ભીખ માગતાં
એમ થાય કે
ધરતી ચ્યમ માર્ગ આપતી નથી
સીતાજીની જેમ?
No comments:
Post a Comment