પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

કબૂલ દોસ્તો, કબૂલ !...




કબૂલ, દોસ્તો ,કબૂલ !
જોડો જેને ડંખે એને ખબર પડે.

શાળામાં ભણતાં
ન્યૂટનનું સફરજન ખાવાનો વિચાર
કડી નોતો આવ્યો નીરવ ...

ભવાયાની ભૂંગળમાં ઉઘાડી ગાળ
કદી સાંભળી નોતી હરીશ...

હરિ થવું સ્હેલ પણ હરિજન થવું દુષ્કર
સાચે , ઉષા...

હરિજનઘેર અવતરેલો ગાંધી
ક્યારનોય રહેંસાઈ ગયો હશે, જયંતી... 

મોહન મોરલીવાળોને બદલે
મોહન બકરીવાળો હોઈ શકે એવું
સૂઝયું નહોતું ,રાજુ...

આહો મહિનાના હાંઠા જેવું જીવન
જોયું નહોતું , મફતભાઈ...

ઈસુની જેમ સદીઓથી ખીલે ઠોકાયા છતાં
વહેતા લોહીની ઉષ્ણતા અનુભવી નહોતી ,
યશવંત...

ઈની બુનનો દરિયો હેનો, હેનું દરિયું ફરિયું...
દરિયાને ગાળ દેવાનું મન નહોતું થયું કલ્પિત...

ચર્મકુંડે એકલવ્યનો અંગૂઠો
જોયો નહિ, જીવણ...

ગાંધી ચોક્કસ કોઈ હરિજન ઘેર જીવતો હશે
નહિતર એને મારવા હાથમાં પિસ્તોલ લઇ
ફરતા અસંખ્ય ગોડસે ભાળ્યા નહોતા, દલપત...

ચાંદો લેવાની હાથ કરી હતી,
રોટલાની નહિ ક્યારેય
સાહિલ ...

કબૂલ દોસ્તો,કબૂલ !
જોડો જેને ડંખે એને ખબર પડે...

No comments:

Post a Comment