સૂર્યોદયની
પ્રતીક્ષા કરવી અઘરી છે.
જ્યારે ઘોર
અંધકાર અરણ્યોમાં વ્યાપ્યો હોય
અને આખું આકાશ
વાદળથી ઘનઘોર હોય
ત્યારે ફક્ત એકલા જ
કપરાં ચઢાણ ચઢી
પહાડની ઊંચી ટોચ પર જવું પડે.
મેઘલી રાતે મદિરા
પીને સૂતેલા દરિયાને
તમારે ઢંઢોળવો પડે,
નિદ્રાધીન થયેલાં
વ્રુક્ષોને હચમચાવવાં પડે ,
એક એક પંખીના
માળે જઈને
જગાડવાં પડે
તેમને,
બીડાઈ ગયેલાં
ફૂલોને પંપાળી વિકસાવવાં પડે
ત્યાં સુધી
થોડો ઉજાસ થાય ,
સશસ્ત્ર ચોકિયાતો
જેવા થોડા તારા દૂર થાય .
સૂર્યજન્મની
પ્રસૂતિની પીડા
તમારે ધીરજથી
વેઠવી જોઈએ.
સમગ્ર અવકાશને
ઝળહળ પ્રકાશથી ભરવા
સૂર્યનો જન્મ
સહેલાઈથી તો ન
થાય ,
પીડાથી તસતસતી
પૃથ્વીને
પ્રેમથી બે શબ્દ
કહેવા પડે.
સૂર્યોદયની
પ્રતીક્ષા કરવી અઘરી છે.
No comments:
Post a Comment