મને થોડું ગંગાજળ આપો
અને એમાં ઉમેરો સાત પવિત્ર નદીઓનું પાણી .
મારે આ ચિત્તપાવન બ્રાહ્મણની ફાટી ગયેલી ખોપરીમાંથી
લબડી પડેલા એનાં ભેજાને ઘસીને ધોવું છે.
મને ટાટાની ડીટરજન્ટ ગોટી આપો.
એનાં ભેજાના એક એક કોષને મારે સાફ કરવો છે.
સદીઓથી જામી ગયેલા વિચારોનો કાટ ઘસી ઘસીને કાઢવો છે.
આ ભૂદેવનું શ્રવણકેન્દ્ર.
વેદનીઋચાઓ,
વાલ્મીકિના અનુષ્ટુપ અને ઉપનિષદના મંત્રો
સાથે મનુસ્મૃતિના શ્લોક પણ અહીં ટેઇપ થયેલા છે.
ભૂદેવ,
ગંગાતીરે પ્રાત; સંધ્યા કરતી વખતે
ઉપનિષદના મંત્રોચ્ચાર કરવાની તને છૂટ
પણ આ મનુભગવાનનાં સ્વસ્તિવચનોની
હવે તારે કંઇ જરૂર નથી.
આ ભૂદેવનું દ્રષ્ટિકેન્દ્ર
જેણે સદીઓથી મને બ્લેક આઇડેન્ટિટી આપી છે.
ભૂદેવ,
તું શરદના આકાશનો નીલ રંગ જો.
અરણ્યોનો નીલ રંગ જો.
અરે,
ઇન્દ્રધનુના સાત રંગ જો.
પણ મારી ચામડીનો કાળો રંગ જોવાની શી જરૂર છે તારે?
આ ભૂદેવનું ઘ્રાણકેન્દ્ર.
મારા પ્રસ્વેદની, શ્વાસની,કર્મની, અસ્તિત્વની દુર્ગંધથી
ઉત્તેજિત થાય છે આ કેન્દ્ર.
ભૂદેવ,આ પૃથ્વી પર મોગરાનાં ફૂલ છે સૂંઘવા માટે
અને દુર્ગંધ તો ભ્રષ્ટાચાર,સંઘરાખોરી,જૂઠની હોય
મારી જ દુર્ગંધ તને કેમ આવે છે?
આ ભૂદેવનું સ્પર્શકેન્દ્ર.
શકુંતલાના શ્વાસનો જરી સ્પર્શ થતાં લીલુંછમ બની જતું આ કેન્દ્ર
મારા તો પદ્ચાયાના સ્પર્શથી લાલચોળ બની જાય છે.
ભૂદેવ,
આપણે હાથમાં હાથ મિલાવી લડ્યા હોત
ઇતિહાસમાં આપણે કદાપી ગુલામ ન બન્યા હોત.
આ કોષમાં રિઝર્વેશન સામે રોષ,
અહીં ઘૃણા,અહીં સૂગ,અહીં દુર્વાસાનો ક્રોધ
આ શ્રેષ્ઠ હોવાનો અહમ.
હજી બીજી એક ડીટરજંટ ગોટી લાવો
મારે એક એક કોષને કાળજીપૂર્વક ધોવો છે.
ભૂદેવ,
દહીં પણ લાંબો સમય પડી રહે તો બગડી જાય છે
તારું ભેજું તો વેદકાળથી એવું ને એવું રહ્યું છે.
કેટલું બગડી ગયું છે, સડી ગયું છે, ગંદું થઇ ગયું છે તારું ભેજું.
હજી વધુ કાવડ ભરીને લાવો ગંગાજળ
અને સીતાસપ્તા સરસ્વતીનું જળ.
No comments:
Post a Comment