ક્યાં લગી આમ મૂંગા સહેશો અત્યાચાર?
એ લોકો તમારા પર થૂંકે-મૂતરે તો ય ભૈશાબ મા-બાપ?
એ લોકો તમને ધુત્કારે- ધક્કેલે તોય ભૈશાબ મા-બાપ?
એ લોકો તમારા ઘાસપાનનાં ઝૂંપડાંને આગ ચાંપે,
એ લોકો તમારાં ઘરડાં-આંધળાં-લૂલાં-લંગડા
માં-બાપને જીવતાં અગ્નિમાં હોમી દે,
એ લોકો તમને પીઠ પર ધગધગતા ડામ દે,
એ લોકો તમારા કાળા આત્માને બહેરો- બોબડો
લંગડો-ચેતનહીન બનાવી દે તોય ભૈશાબ મા-બાપ !
તમારા શાત્સો પેઢીઓના વડવાઓની પીઠની ચામડી જુઓ.
દેખાય છે લોહી નીંગળતા પરુભર્યા ઘા?
સદીઓથી સહેતા આવ્યા છો એમના સિતમ, ધિક્કાર.
હવે ઊઠો,ઊઠાવો તમારું મસ્તક- આકાશ પ્રતિ તમારો મુક્કો .
ભયંકર ત્રાડથી ગુંજાવી દો આકાશ,
ધ્રુજાવી દો એમણે તમારી કાળી મજૂરી પર
ઊભાં કરેલાં આલીશાન સ્કાયસ્ક્રેપર્સ.
હચમચાવી દો એમના ચતુર્વર્ણ આશ્રમના પાયા.
ફાડીને ફેંકી દો એમના ધર્મગ્રંથોનાં જીર્ણ પાનાં.
ભૂખથી ભભક્તી તમારી જઠરની આગમાં.
જલાવી ડો, સળગાવી દો, ભાંગીને ભુક્કા કરી દો
એમને ઊભી કરેલી અસ્પૃશ્યતાની દીવાલો.
પૃથ્વી
સૌની માતા, ક્યાંય કોઈ દીવાલની જરૂર નથી.
સૂર્ય
સૌનો પિતા, કોઈ અસ્પૃશ્ય નથી એના પ્રકાશમાં.
અપમાન
સહીને જીવવા કરતાં તો ,
ભલે
એ લોકોનાં લાઠી-ભાલાથી આવું જીવતાં આવતું
સળગતું મોત.
ઊઠો,
ક્યા લાગી આમ મૂંગા મૂંગા સહેશો અપમાન-અત્યાચાર?
No comments:
Post a Comment