પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

અમે થયા કાળા, તમે થયા શ્વેત



પૃથ્વી ઉપર પ્રથમ સૂર્ય ઉગ્યો ત્યારે
એના સુવર્ણતડકાને અમે ઉલ્લાસથી વધાવ્યો હતો.
તમે શોકમાં પીઠ ફેરવીને ઊભા હતા,
પછી તમારા શ્વેત વર્ણની સૂર્યપ્રકાશથી રક્ષા કરવા
તમે પિરામિડોના અંધકારમાં ચાલ્યા ગયા હતા.
અમે રહ્યા બહાર , તમે પુરાયા શબપેટીઓમાં.
જ્વાળામુખી પહાડોની આગથી શેકાયા અમારા ચહેરા.
સૂસવતા દરિયાઈ પવનોથી ઘસાયા અમારા ચહેરા.
દિશાઓ ધ્રુજાવતા ધરતીકંપોથી તરડાયા અમારા ચહેરા
પણ સૂર્ય અમારો પિતા હતો.
પૃથ્વી પ્રસવપીડાવ ત્રસ્ત, અસ્તવ્યસ્ત અમારી માતા.
અમે સદીઓ સુધી ઊભા રહ્યા ચિંતાતુર,
તમે તો ભરાઈ ગયા હતા કબરોમાં
આસવનાં પાત્રો લઈને,
અને આજે એકાએક પૃથ્વી પર અધિકાર સ્થાપવા
મશીનગનો લઇ નીકળી પડ્યા છો.
પૃથ્વીના સઘળા પરિતાપ તો
અમે સહ્યા છે દિન-રાત.
અમે હતા બહાર, તમે હતા કબરોમાં
તેથી અમે થયા કાળા અને તમે રહ્યા શ્વેત.

No comments:

Post a Comment