હું આ દેશનો ઈતિહાસ
કબરો ખોદીને પાંચ-પચ્ચીસ હજાર વર્ષ
જૂના ઇતિહાસના હાડકાં શોધવાનું રહેવા દો, દોસ્તો.
તમને દધીચિનું એક પણ હાડકું નહિ મળે.
ઈતિહાસ તો પ્રતિક્ષણે ઝાકળ બની
પૃથ્વીની હૂંફાળી મીઠી માટીમાં ઓગળી જાય છે..
શું જરૂર છે તમારે મારું આદિકુળ શોધવાની તમારે?
હું તો પરાપૂર્વે સૂર્યમાં વસતો હતો.
અને એકદા કિરણરૂપે આવીને
અનાઘ્રાત પૃથ્વીની પંચધાતુઓમાં અમસ્તો ઓગળી ગયો.
પૃથ્વીના હૂંફાળા સ્તનોની ઉષ્માએ
મને વિશ્વવિજેતા વાયરસ બનાવી દીધો.
વાયારમાં થી બેકટેરિયન વંશ ધારણ કરીને
ખંડ-ઉપખંડમાંથી સામ્રાજ્યો સ્થાપી મચ્છરૂપે
પ્રશાંત મહાસાગરનાં મધ્યાહ્નનનાં વિષુવવૃત્તીય સૂર્ય નીચે ચળકતાં
ભૂરાં જળમાં સંભોગાદિ ક્રિયાઓ કરી હરણ બન્યો.
હરણમાંથી અશ્વ અને મધ્ય આફ્રિકાના અરણ્ય અંધકારમાં
માણસ બની બે ડાળ ઠેકી અહીં આવ્યો ત્યારે
તમે કહ્યું કે, તું શૂદ્ર છે.
નાં દોસ્તો, હું શૂદ્ર નથી.
ગંગા-સિંધુનાં મનોહર જળપ્રવાહની જેમ
આ પુણ્યભૂમિ પર હું સતત વહ્યો છું.
આ દેશના એકેક વોકળા પર મારાં પગલાંની છાપ છે.
આ દેશના એકએક ખડક નીચે મારું અશ્મિ સંઘરાયેલું છે ,
મારા લોહીમાં મોહેં-જો-દડોની અણઉકલી લિપિ ધબકે છે.
મારા લોહી-માંસ-ગંધ સહિત હું આ દેશનો ઈતિહાસ છું.
મને શૂદ્ર ગણી તમે દફનાવી નહિ શકો.
No comments:
Post a Comment