મંદિર
પ્રવેશ ન કરો દોસ્તો
થંભી
જાઓ એ મંદિરનાં પગથિયા પર પડ્યો છે
આપણા પુત્રનો લોહી નીગળતો દેહ
બાજુમાં પડી છે આપણી પુત્રી નિર્વસ્ત્ર, અર્ધમૃત
છીન્નવિચ્છીન્ન છે એનું રૂપ.
એ
મંદિરના વિશાળ ગુમ્બજોમાં
ગંધાય છે
આપણાં લીલાં લીલાં બાળેલાં અન્ન-ધાનની વાસ
આપણા મહાન પૂર્વજોએ પ્રાપ્ત કર્યા હતા તે શબ્દ.
આપણા
છીનવેલા શબ્દોનાં
કસાઈઓએ ઘડ્યાં છે મંત્ર-તંત્રનાં માદળિયાં.
શબ્દને
હોમે છે એ
લોકો જ્વાળાઓમાં
જેમણે
આપણા લીલાંકુંજાર નાગવનો
બાળીને ભસ્મ કર્યાં હતાં.
એ સૂર્યવંશીઓનાં પાષાણશિલ્પો
મરકમરક
હસે છે આજ.
વનમાં વિહરતા મોરનાં ખેંચી કાઢેલા મોરપિચ્છથી
તેઓ પવન ઢોળે છે
જલ્લાદોનાં શ્રમિત અંગોને.
સુવર્ણનાં
પતરાંથી મઢી દીધાછે
દિવાલો પર પડેલા હત્યાઓના ડાઘ.
સુવર્ણકળશોથી
ગગનચુંબી કર્યા છે એમણે શિખરો.
આપણા પિતૃઓના દેહ
એ શિલાઓના અસહ્ય ભારથી દટાયા છે .
પ્રવેશ ન કરો, દોસ્તો
થંભી જાઓ,
કસાઈખાનામાં એક ડગ પણ ન માંડશો દોસ્તો.
No comments:
Post a Comment