પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

ખોવાયેલા હે મોઝિસ




ચવદારનાં જળ સ્તબ્ધ
નિસ્તરંગ,
ઈતિહાસદૂત આકાશે નિષ્ધડક, નિષ્પલક
જોયા હતા એણે
મોઝીસને ચીંથરેહાલ
ઈસુને કાંટાળે તાજ .
સ્પાર્ટેકસને વધસ્તંભે લોહીટપકતો રોમન રાજમાર્ગે
જોયો હતો એણે,
અશ્વારોહણ કરતો વોશિંગ્ટન
સ્વતંત્રતા,સમાનતા, બંધુતા કાજે.
ગાંધીને પરવાનાની હોળી કરતો,
લેનિનને ઝારનો શિરચ્છેદ કરતો,
કદી જોયો, સાંભળ્યો ઈતિહાસદૂતે,
બળબળતા બપોરે
વલવલતો સત્યાગ્રહ,
ઘૂંટ જળ કાજે ચવદારને તીરે.
કેમ નથી આવ્યા અમેરિકન ફોટો જર્નાલિસ્ટ ?
વેદ-કુરાન-બાઈબલ સહુ એમ વદે,
પવન,પાણી, પ્રકાશ સૌ કાજે .
ને તોય તે કેવી સ્મૃતિ-વિસ્મૃતિ (?) નિજ દેશે?
તેં ચવદારનું જળ રેડ્યું પાછું.
નથી જોઈતું અમને તમારી  કરુણાનું જળ
અધિકાર જોઈએ
અસ્મિતા જોઈએ.
રાઉન્ડટેબલ પર મુક્કો પછાડી
તેંકહ્યું, એક ત્રીજો છાયાદેશ વસે છે
અમ અસ્પૃશ્યો અર્ધ નગ્ન પૂર્ણ ભૂખ્યાં જનોનો,’
બ્રિટિશહિંદમાં
ગામેગામ છેવાડે , ઉકરડે
મૃત પશુનાં શીર્ણ વિશીર્ણ  હાડપિંજરોની આસપાસ.
બુદ્ધ ગાંધી તો અતિથિ
તું તો મહારવાડાના ઉકરડે ઊછર્યો, વિકસ્યો.
તું જાણે ભૂખથી ભૂંડી અવહેલના.
ગાંધી,ઝીણા,માઉન્ટબેટનને તેં કહ્યું:
દેશનું જુવારું કરો છો,તો
અમને આપો ફક્ત સ્વમાન.
દિલ્હી મોગલ ગાર્ડન્સમાં લખાતા બંધારણમાં
તેં ઉમેર્યાં રક્તાક્ષરે થોડાં પાનાં
પીડિત-દલિત સહોદરો કાજે ઇતિહાસે સૌ પ્રથમ.
મનુની નાભિનાડને તેં છેદી
અનેકહ્યું,આ નાડનો બીજો છેડો
પડ્યો છે ગાંધીના ગ્રામ સ્વરાજમાં
ત્યાં દૂરદૂર ગોલાણા ગામમાં
જ્યાં હજી વેઠના વારા;
ભૂખના ભારા;
પાણીના સાંસા;
હડે હડેના જાસા.
ચવદારનાં જળ હજી હજીય અસ્પૃશ્ય
પાંચ હજાર વર્ષની ગૌરવઅંધ પરંપરામાં
તને તો કેવળ થયાં સો વર્ષ
ખોવાયેલા હે મોઝિસ ..
હજી સિનાઈ રણવાટ એટલી અધુરી...

No comments:

Post a Comment