પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

ગામ છોડી જતાં





પરોઢિયે હળ લઈને ખેતરે જતા
ત્યારે રોજ રસ્તામાં આવતી નદી-
હવે ક્યાંય સામી મળશે નહીં.
છપ્પનિયાય પહેલાં
પાદરના વાળની જેમ ઊગ્યા હતા
ફેલાયા હતા ગામમાં,
વાયરો તો અમને ઉખાડી શક્યો હતો.
પણ લોકો પાસે તો ચકચકિત પોલાદી કુહાડા હતા.
સૂરજ  ઢળતાં સુધીમાં તો એમણે
ધરતીથી જોડાયેલા અમારા પગ ધડાધડ કાપી નાખ્યા.
નદીકાંઠાનાં ત્રિખૂણીયાં ખેતર
પૂળા-સાંઠીનાં ઝૂંપડાં
મેળાનાં લીલાંપીળાં લૂગડાં
કાંસાની બે-એક તાંસળીઓ
બધું પડાવી લીધું- સળગાવી દીધું લૂંટારાઓએ.
નદીનું કોપરા જેવું જળ ખોબો ભરી પીતા હતા
વરૂઓએ કહ્યું:
અમારું જળ અપવિત્ર થાય છે, ટીપુંય પીશો નહીં.
એમને  કાચા લોહીમાંસ સિવાય બીજું ભાવે છે શું?
તોયે
અમને ઘાસનું તણખલું ચરવા દીધું વરુઓએ.
એક ડગલું માંડી શકાતું નથી-
નદી રોકે છે
ગામનો સીમાડો રોકે છે.
પણ દૂર ઝૂંપડાંની આગના પ્રકાશમાં
કેટલાં વરુઓ ઘૂરકે છે  !

No comments:

Post a Comment