પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

કેમ ન સાંભરે





તાજમહેલ જોતાં
આંગળીનાં ટાંકણાં કરી
ભર બપ્પોરે
પ્રસ્વેદ નીતરતો સલાટ
કેમ ન સાંભરે?

છપ્પન ભોગ આરોગતાં
પીઠ પર સૂર્યનો અંગારો મૂકી
ડાંગરનો ધરુ ચોપતો ખેડૂ
કેમ ન સાંભરે?

ગગનચુંબી મ્હોલાત જોતાં
આગ વરસતા આભ હેઠળ
ભઠ્ઠામાં શેકાતો કુંભાર
કેમ ન સાંભરે?

રેશમની સુંવાળપમાં સરકી  જતાં
ખાલી પેટે ફૂંક મારતો વણકર
કેમ ન સાંભરે?

ચમ ચમ શૂઝ પહેરી કાલીન પર ચાલતાં
ચર્મકુંડની ગંધમાં
હોશ હવાસ ખોતો ચર્મકાર
કેમ ન સાંભરે?

સાફસુથરા આસ્ફાલ્ટનાં રાજમાર્ગો પર
મારુતિરથમાં ઊડતાં
મેનહોલના અંધકારમાં ગૂંગળાતો
જંતુમાનવ કેમ ન સાંભરે?

No comments:

Post a Comment