હા, તમારી વાત સાચી.
એ લોકો પણ ગરીબ હોય છે.
લોકના દળણાં દળે છે .
પાણી ભરે છે,
વાસણ માંજે છે,
રસોઈ રાંધે છે ,
ખેતરમાં –ખાણમાં
મિલમાં – મશીનમાં
પસીનો પાડે છે .
પણ તેને મળે છે સ્નેહ-
અમને તિરસ્કાર ,
તેમને મળે છે આદર,
અમને અપમાન.
તેમને મળે છે દયા-
અમને ધિક્કાર.
તેઓ પાણિયારેથી પાણી પીએ છે ,
અમે ઊભા રહીએ છીએ
ઘરબહાર .
એમને મળે છે દાન,
અમને ભીખ.
હા,તમારી વાત સાચી-
એ લોકો પણ ગરીબ હોય છે.
પણ અમારો પ્રશ્ન જુદો છે.
ઇતિહાસમાં ક્યાંય એનો જોટો મળવો મુશ્કેલ છે.
અમે નથી કેવળ કાળા.
અમે નથી વિધર્મી.
અમે નથી કેવળ શ્રમજીવી.
અમે અમે જ છીએ –
વેદકાળથી તિરસ્કાર સાથે અત્યાચાર સહેતી
વિશ્વની એક માત્ર માનવ પશુજાતિ.
No comments:
Post a Comment