કોની અસ્મિતા?
કેવી અસ્મિતા?
ક્યાં અસ્મિતા?
વેદનામય ઈતિહાસમાંથી
કેમ શોધવી અસ્મિતા?
ન કોઈ પરશુરામ થયા,
ન કોઈ યુદ્ધ લડ્યા-જીત્યા,
પરાજય સહ્યો મૂક જિહ્વાએ
ન હરફ ઉચ્ચાર્યો કદી,
ફૂલે-આંબેડકર થયા પહેલાં .
કોની અસ્મિતા?
કેવી અસ્મિતા?
ક્યાં અસ્મિતા?
ન અમારી ભાષા- ન કાવ્યધારા,
ન વસ્ત્ર- ન પહેરવેશ,
ન અન્ન- ન સેવન કોર્સ ડીનર,
ન એટીકેટ- ન રહ્યા મનુષ્ય ,
સમગ્ર ઈતિહાસ આયુષ્યે,
ફૂલે-આંબેડકર થયા પહેલાં.
કોની અસ્મિતા?
કેવી અસ્મિતા?
ક્યાં અસ્મિતા?
ન ધર્મ- ન મંદિર- ન ઈશ્વર,
બેવડી કમર- ઊંચે આકાશ ક્યાં જોયું?
ફૂલે-આંબેડકર થયા પહેલાં.
હાથમાં ઝાડુ- માથે મેલું,
કેડ્યમાં પાટુ -પૂંઠે ખાસડું
ફૂલે-આંબેડકર થયા પહેલાં.
કોની અસ્મિતા?
કેવી અસ્મિતા?
ક્યાં અસ્મિતા?
ફૂલે-આંબેડકર થયા પહેલાં.
No comments:
Post a Comment