ચાલો આપણે શસ્ત્રો હેઠાં મૂકીએ
અને ગોળમેજી પરિષદ ભરીએ.
અમારે કોઈ દેશ નથી, વેશ નથી,
ખેડવા ખેતર નથી, રહેવા ખોરડું નથી.
આર્યાવર્તના કાળથી તે આજ સુધી તમે
ઘાસનું તણખલું અમારે માટે રહેવા દીધું નથી.
ચાલો અમે તે બધું ભૂલી જઈએ.
તમે ગામમાં ચણેલી દિવાલો તોડી નાખવા તૈયાર છો?
અમે દૂધમાં સાકરની જેમ ભલી જવા તૈયાર છીએ.
તમારી દ્રોપદી જો સ્વયંવરમાં અમારા ગલીયાને
વરમાળા પહેરાવે તે સહી શકશો?
અને અમારી રૈલી જો ચિત્રાંગદાની જેમ નવવેશે આવે તો
તમારો અર્જુન એને સ્વીકારશે?
ચાલો,
આપણે મરેલા ઢોર ખેંચવા વારા કાઢીએ,
રાજી છો?
ચાલો,અમે તમારું એંઠું ખાવા રાજી,
તમે અમારાં ઘેર વિવા હોય ત્યારે એંઠું ખાવા આવશો?
ચાલો બંધારણમાંથી રિઝર્વેશનની કલમો ભૂંસી નાખીએ,
અમારાં મગનીયા છગનીયા ઓપન કોમ્પિટ કરશે,
પણ તેમને કોન્વેન્ટ સ્કૂલોમાં દાખલ થવા દેશો?
ચાલો,
શેડ્યુલનાં પાનાં ફાડી નાખીએ
પણ અમને હવે ત્રિવેદી, પટેલ થવા દેશો?
ચાલો આપણે શાસ્ત્રો હેઠાં મૂકીએ
અને દેશની રસાળ ભૂમિને સાથે મળી ખેડીએ,
પણ અમને ખળાનો અર્ધો ભાગ આપશો ?
No comments:
Post a Comment