પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

ચાનો તૂટેલો કપ





ચાનો તૂટેલો કપ
બાંકડા-હોટલના છાપરે
છુપાયેલો રહે.
પોલીસની રેડ પડે તોય
કદી પકડાય નહિ.
કદી ધોવાય નહિ,
વીંછળાય નહિ,
હજાર ઘરાક રોજ આવે ને જાય
કોઈ એનું ઘરાક નહિ.
ફક્ત એક ખોડો
સાવરણો લઇ ગામ વાળતો આવે,
બજારને છેડે
એને નવરાવે.
મેલાઘાણ ફાળિયાના છેડેથી લૂછે .
અને ધરે- ચાની કીટલીમાંથી રેડાય
ફળફળતી ચા.
ચાનો તૂટેલો કપ
પાછો છાપરે ચડી  જાય, તે છેક
બીજા દિવસની સવારે
પાછો ખોડાના હાથે પ્રક્ષાલન પામે,
ખોળો એનો પૂજારી,
ખોડાનો દેવ .
ચાનો તૂટેલો કપ ,
સદીઓથી અછૂત.

No comments:

Post a Comment