હવે અમે સમજ્યા
કે
વરુઓ પણ જાહેરમાં
બહાર પાડે છે
એથી અમારે પણ
જાહેરનામું લખવાની થઇ જરૂર.
કેમકે આધુનિક
યુગમાં તે જરૂરી છે.
અત્યાચાર તો
ઘણા સહ્યા
દ્રવિડ હતા
ત્યારથી
રોમના ગુલામ હતા
ત્યારે,
અને
આફ્રિકાનાં
બંદરોથી અમેરિકાનાં
જહાજોમાં જતા
પગમાં બેડીઓ સાથે
ત્યારે પીઠ પર
એટલાન્ટીક સાગરના
ખારા પાણીથી
પલાળેલા, ઘણા ચાબખા સહ્યા
પણ
ત્યારે ચીસો પાડી
હતી કેવળ.
કોઈ ગોરાએ પેટમાં
અપમાનની બેયોનેટ ઘોંચી ત્યારે
હોઠ ઉપર આવીને
અટકી ગઈ હતી ગાળો
પણ હવે
અમારે ચીસો નથી
પાડવી,
ગાળો નથી દેવી,
અમારી યાતનાઓને
છંદમાં
લઘુ-ગુરુમાં
ગોઠવી
યતિભંગ વિના
ઇતિહાસની કથા કહેવી છે.
કાલિદાસની
સંસ્કૃત કે હોમાંરની ગ્રીકમાં
કે એલિયેટની
અંગ્રેજીમાં
કરવી છેઅમારે
રજૂઆત
આવી રહેલી સદીઓને
માટે.
અમારા
જાહેરનામાને લોહીથી છાપવું છે,
અને જહાજના તૂતક
પર તપતા સૂરજના
તાપમાં સૂકવવું
છે.
પૃથ્વીના એક એક
પહાડ-જંગલ અને ઉપખંડમાં
વસતા ગુલામોની એક
આંતરરાષ્ટ્રીય
બ્રેઇલ લિપિ ઘડવી
છે અમારે.
તમામ ગુલામોના
શબ્દ એકત્ર કરી
એક નવું રચવું છે
અન્યાય ,
અત્યાચાર અને યાતના વિરોધી વ્યાકરણ.
શબ્દ સર્વથી
શ્રેષ્ઠ
કાચા શબ્દોના
કાષ્ઠમાંથી
ઘડવી છે
સ્પારટેકસની પ્રતિમા.
No comments:
Post a Comment