પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

પ્રશ્ન



ગાળામાં કુલડી અને પીઠે સાવરણી લટકાવી
ચાલતા હતા ઇન્દ્રપ્રસ્થ,અયોધ્યા, પાટણના રાજમાર્ગ પર,
બે, પાંચ હજાર  વર્ષોથી સતત.
એકવાર પણ તમને
ગાળામાં લટકતી કુલડીને ભાંગી નાખી
એમના ભસ્મચંદનાર્ચિત રુક્ષ ચહેરાઓ પર
થૂંકવાનું મન ન થયું?
પીઠે લટકતા સાવરણા ફગાવી દઈ
તમારા પડછાયાના લીરા કરી
એ લોકો પર ફેંકી ન શક્યા?
મૂએલા ઢોરનાં શિંગડાંમાંથી
ઘડી ન શક્યા એક વાર પણ વજ્ર?
ઈશ્વરે તો તમને ઘડવા  આપ્યાં હતાં પાંચ હજાર વર્ષ.
ઈતિહાસનાં કેટલાં કોરાં પાનાં આપ્યાં હતાં?
એક સ્પારટેકસના રક્ત ટપકતા
અંગૂઠાની છાપ ન પાડી શક્યા તમે?
કુહાદાઓથી તમે અરણ્યો મિટાવી દીધાં,
પહાડનાં મેદાન બનાવ્યાં,
એક વાર પણ ઉગામી ન શક્યા
તમારા કુહાડા?
અને હવે ક્યા છે સમય ?
હવે નથી રહ્યું ઇતિહાસનું કોઈ કોરું પાનુ,
ડાઈનોસોરની જેમ ભૂંસાઈ જાઓ
પૃથ્વીપટેથી
કેમકે ડાર્વિનસંહિતામાં તો
જોરુકો તે સાચો, સમજ્યા?

No comments:

Post a Comment