પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

શૂદ્ર શકુંતલાની સ્વગતોક્તિ



બસ, દુષ્યંત, બહુ થયું.
આથી વધારે આઘાત-અત્યાચાર
મારું કાળું લોહી નહિ સહન કરે
મુદ્રિકા તો એક છલના છે, દુષ્યંત, છલના.
કેમકે મુદ્રિકા જોઈ તમે તમારી ભમરાથી ડરતી,
ભીરુ હરિણી-વનવેલીશી
કણ્વઆશ્રમનાં પ્રાંગણનો કચરો કાઢતી
શકુંતલાને જોતા નથી.
એના ગોત્રનો નકશો જુઓ છો.
કયાં છે મારા કાળા લોહીનું ગોત્ર?
તમારા પૂર્વજોએ મૂળથી જ કર્યો છે ઉચ્છેદ.
ભલે ગોત્રહીન હજી વહ્યા કરે છે કાળું લોહી
પૃથ્વીના ખંડ ખંડ પર .
હું શૂદ્ર , ગોત્રહીન,
તમારા મધ્યરાત્રિના ઉપભોગ માટેની મદિરા જાણે.
હું તો મૃગયા માટેની વનવન ભટકતી હરિણી.
મારા રક્તની મદિરા કેવળ
તમારી પશુતાને જાગૃત કરવા માટે.
નહીં તો, તમારા જ ગૌર રક્તનો શ્યામ આવિષ્કાર
તમારો પુત્ર- મારો ભરત
તમારે માટે અસ્પૃશ્ય ન હોત,
અને એ મૂએલા ઢોરના દાંત
ગામના છેવાડે બેસી
આમ ન ગણતો હોત.
દુષ્યંત, તમે કશું ભૂલ્યા નથી.
ભૂલવાનો દેખાવ કરો છો . કેમકે જે શકુંતલાને
તમે ચાહતા હતા તે શકુંતલાની
ભીતર તો છલોછલ ભર્યું છે કાળું લોહી.
જેને ગૌર ધારી હતી તે તો
શ્યામ, શૂદ્ર,ગોત્રહીન, અસ્પૃશ્ય –
આજે જેની દુર્ગંધ આવે છે
એ જ કાળું લોહી,
એકદા તમને કેટલું તો ચાહતું હતું?
મને ભૂલી જવા દો, દુષ્યંત,
કણ્વઆશ્રમની આમ્રકુંજોના એ વાસંતી પવનો.
બસ, બહુ થયું, દુષ્યંત,
મને અસ્પૃશ્ય જ રહેવા દો.

No comments:

Post a Comment